યોગમય બન્યા રાજકોટવાસીઓ
ગુજરાત ભૂમિ, રાજકોટ
જેમ શરીરને એનર્જી આપવા માટે ખોરાક લેવો જરૂરી છે તેમ આત્માને એનર્જી આપવા માટે આખા દિવસમાં મેડિટેશન જરૂરી છે. ત્યારે અલવિદા તનાવ કાર્યક્રમના છઠ્ઠા દિવસે બ્ર.કુ. પૂનમબહેન દ્વારા “સમસ્યાઓનું સમાધાન” વિષય ઉપર વક્તવ્ય યોજાયું હતું. તેમજ મેડિટેશનના ફાયદાઓ જણાવીને લોકોને યોગ કરાવીને યોગમય બનાવ્યા હતા.
સમસ્યા અને પરિસ્થિતિ સામે વિજય પ્રાપ્ત કરવા માટે આત્મદર્શન કરવાની વાત કરતા બ્ર.કુ. પૂનમબેને જણાવ્યું હતું કે, વ્યસ્ત જીવનમાં પોતાના માટે બે કલાકમાં 1 મિનિટ કાઢીને ધ્યાન કરવું જરૂરી છે. આપણે સૌ પરમપિતા પરમાત્માના શક્તિ સ્વરૂપ, સુખ સ્વરૂપ અને શાંત સ્વરૂપ સંતાન છીએ. મુશ્કેલીઓ આવે ત્યારે માસ્ટર સર્વ શક્તિમાન આત્મા બનીને સ્વની સ્થિતિને સ્થિર રાખીને વાયુમંડળમાં સકારાત્મકતા ફેલાવીને સમાધાન મેળવી શકીએ છીએ.
મેડિટેશન સાથે સંકલ્પ શક્તિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પરમાત્માની છત્રછાયામાં રહેવાની વાત કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે, જેવું વિચારશો તેવું થશે. તેથી પોઝિટિવ વિચારધારા રાખવી જોઈએ. હમેશાં ઈશ્વરની છત્રછાયામાં છીએ તેવો અનુભવ કરવો જોઈએ. કારણ કે ઈશ્વરની છત્રછાયામાં રહીશું તો દરેક પરિસ્થિતમાં સુરક્ષિત રહીશું. આજે ગંભીર બીમારીઓમાં પણ ડોકટર કહે છે કે દવા સાથે દુઆ પણ જરૂરી છે ત્યારે આધ્યાત્મિક અને મેડિટેશન કરીને અન્યની સાથે સ્વને હીલિંગ કરીને ભગવાનની છત્રછાયામાં રહીએ.
ઉલ્લેખનીય છે કે, આજરોજ એટલે કે તા.૧૪ ફેબ્રુઆરીના રોજ બ્રહ્માકુમારી પૂનમબેન દ્વારા “અલૌકિક જીવન ઉત્સવ” ઉપર વ્યક્તવ્ય આપવામાં આવશે.