ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે પ્રિન્સિપાલ ડો. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ યોજાયો. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ટેક ફેસ્ટ અંતર્ગત વૈજ્ઞાનિક મોડેલ, પોસ્ટર તથા પેપર પ્રેઝન્ટેશનની સ્પર્ધા, રમતગમત ધારા અંતર્ગત ક્રિકેટ, કબડ્ડી, વૉલીબોલ, ખો-ખો જેવી રમત, જ્ઞાનધારા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધસ્પર્ધા, સર્જનાત્મક-ધારા અંતર્ગત રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ, કૉલાઝ મેકિંગ, વિડીયો મેકિંગ સ્પર્ધા, કલા-કૌશલ્યધારા અંતર્ગત મહેંદી, કોલેજ સુશોભન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ પ્રદર્શનીમાં ટેકફેસ્ટ અંતર્ગતની વિવિધ કૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટની અનેક આકર્ષક કૃતિઓ, ૧૯ જેટલી મનમોહક રંગોળીઓ ઉપરાંત શણગારેલ સાયકલ સાથેનો સેલ્ફી ઝોન, વિવિધ સેલ્ફી ફ્રેમ તથા ગેમઝોન અને ફૂડઝોન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
તારીખ ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઈવેન્ટની ખાસ વાત એ હતી કે, પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મર્યાદિત ખર્ચમાં પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી વેસ્ટ પેપર, પૂંઠા તથા પસ્તીનો ઉપયોગ કરીને સમગ્ર કોલેજને સુશોભિત કરેલ હતી.
“પ્રકૃતિ મિત્ર” નામની પર્યાવરણના સંરક્ષણ માટેની સંસ્થાના સ્થાપક અને અત્રેની કોલેજના પ્રાણીશાસ્ત્ર વિષયના વડા ચિરાગ ગોસાઈના માર્ગદર્શન હેઠળ ઝુલોજીના વિદ્યાર્થીઓ દ્વારા નકામા પૂંઠા તેમજ છાપાની પસ્તીનો ઉપયોગ કરી અદભુત જલીય તેમજ જંગલનું વાતાવરણ તાદ્રશ કરતું આકર્ષક દ્રશ્ય દિવાલ પર તૈયાર કરવામાં આવ્યું હતું. અત્રેની કોલેજના પ્રાધ્યાપક પી. એલ.મંગેના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બનાવેલ વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી ન્યૂટનનું પુતળું પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સમગ્ર સ્ટાફ ડો. સી. એમ. ગોસાઈ, એમ. એલ. પરમાર, પી. જે. જાડેજા, જે. બી ઝાલા, ડૉ. ડી.કે.પંડ્યા, ડૉ. એમ.એચ.ચૌહાણ, એસ.એમ.સીતાપરા તથા સુ. પી. એલ. મંગેએ ભારે જહેમત ઉઠાવી હતી. ટેક ફેસ્ટ હેઠળના વૈજ્ઞાનિક મોડેલ્સ અને વિદ્યાર્થીઓની ઊંડાણપૂર્વકના જ્ઞાનથી મુલાકાતીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતાં અને સરકારી વિજ્ઞાન કોલેજના શૈક્ષણિક સ્ટાફને બીરદાવ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓની કૃતિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ઈ.સી. મેમ્બર ડો. જીવાભાઈ વાળા, વેરાવળ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી ગીરીશભાઈ કારિયા, જે.એમ.સાયન્સ કોલેજ એડમિનિસ્ટ્રેટર રાજેશભાઈ પુરોહિત તેમજ વેરાવળની વિવિધ શૈક્ષણિક કોલેજના નામાંકિત ટ્રસ્ટીઓ, આચાર્યઓ તથા પ્રાધ્યાપકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.