ગુજરાત ભૂમિ, ભુજ
જી-20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા જી-20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાની જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે-સાથે પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
કચ્છમાં બે દાયકા પૂર્વે આવેલા ભૂકંપને યાદ કરતા મુખ્યમંત્રીએ હાલમાં જી-20ના ગ્રૂપના સભ્ય દેશ એવા તૂર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરીને, મૃતકો તેમજ તૂર્કીવાસીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કચ્છના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને હજારો ઘર ધ્વસ્ત થઈ ગયા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયત્નો, દૂરદર્શિતા અને માર્ગદર્શનના પરિણામે કચ્છ ફરી બેઠું થયું અને વિકાસના માર્ગ પર આગેકૂચ કરી રહ્યું છે. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાંચમાંથી એક પ્રાથમિકતા ગ્રીન ટૂરિઝમ છે. કચ્છમાં વિનાશક ભૂકંપની યાદમાં નિર્મિત સ્મૃતિ વન ગ્રીન ટૂરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિ વનમાં પચાસ ચેકડેમ અને ત્રણ લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટૂરિઝમને નવી દિશા મળી છે.
રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતના હડપ્પાનું ધોળાવીરા, ચાંપાનેર, ઐતિહાસિક શહેર અમદાવાદ અને પાટણની રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટૂરિઝમ ફ્રેન્ડલી રાજ્ય છે. પ્રવાસનના વિકાસ માટે રાજ્યમાં ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને વિવેકાનંદ સર્કિટ પણ વિકસિત કરવામાં આવી રહી છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અતિથિ બનવા બદલ જી-20 દેશોના પ્રતિનિધિઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં કેબિનેટમંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, જી-૨૦ની અધ્યક્ષતા સર્વગ્રાહી, સર્વ સમાવેશક અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફની યાત્રાને વધુ વેગવાન બનાવનાર બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતની સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાઓ, વૈશ્વિક સ્તરના પ્રવાસન આકર્ષણો, ઈકો ટૂરિઝમ, ગ્રીન ટૂરિઝમ અને એગ્રી ટૂરિઝમ પ્રવાસીઓને વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે.
કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડીએ પ્રવાસનને દેશના ગ્રોથ એન્જિનનો મહત્ત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ૬.૯ મિલિયન પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતમાં પ્રવાસનની અનેક વિવિધતાઓ છે ત્યારે દેશનો પ્રવાસન હબ તરીકે યોગ્ય દિશામાં વિકાસ થઈ રહ્યો છે. ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રવાસન એક મહત્ત્વનું સાધન છે. આ બેઠકમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યસચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, અધિક સચિવ રાકેશકુમાર વર્મા, નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પ્રવાસન તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જી-20 દેશોના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.