ગુજરાત ભૂમિ, ભાવનગર
જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે.
જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારના નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાં માટે આ એવોર્ડ આપવામાં આવે છે.
ભાવનગરની યશકલગીમાં ઉતરોતર વધારો થાય અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય એ માટે વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ આરોગ્યના અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ કાર્યરત્ છે.
સ્વચ્છ અને સુઘડ આરોગ્ય કેન્દ્રની સાથે ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા સતત પ્રયત્નશીલ છે.
રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિભાગો જેવાં કે, બહારના દર્દીઓનો વિભાગ, લેબોરેટરી, પ્રસૂતિ વિભાગ, સામાન્ય વહીવટ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું વિવિધ આયામો અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીની પ્રેરણા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણીકુમાર પ્રસાદના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારી ડૉ. મનસ્વિની માલવિયા ના સીધી દેખરેખ હેઠળ વર્ષ-૨૦૨૨-૨૩ માં કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા ભાવનગર ના વધુ ૧૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.
હાલ,ભાવનગર ના કુલ ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકીના કુલ ૨૫ આરોગ્ય કેન્દ્ર નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફાઇડ છે.
ભાવનગર જિલ્લામાં કોરોનાકાળમાં પણ દર્દીઓની ગુણવત્તાસભર કાળજી લેવામાં આવી હતી. આ ઉપરાંત પણ આરોગ્ય સ્તર ઉંચું જાય તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓ સાથે આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાર્થક થતી જોવાં મળે છે.
એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ. સુનીલ પટેલ , ડૉ. ડી એસ. દવે, સીનીયર મેડિકલ ઓફિસર ડૉ. હરપાલસિંહ ગોહિલ અને જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, આયૂષ મેડિકલ ઓફિસર અને આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર,ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, સુપરવાઇઝર, આરોગ્ય કર્મચારીઓ,આશા બહેનો અને ક્વોલિટી ટીમ ભાવનગર દ્વારા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવાન્વિત કરવામાં ખૂબ મોટો ફાળો રહ્યો છે.
જે અંતર્ગત ૭૪ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણના મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ડૉ. મનસ્વિની માલવિયા, ડૉ. સુનીલ પટેલ, ડૉ. બી. પી. બોરીચા, ડૉ. ધવલ દવે, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્યકર્મીઓ દર્દી સાથે ખૂબ પ્રેમભાવથી વર્તે છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જેવી સેવાઓ આપવામાં આવે છે. યોગ્ય વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સેવાઓ મળે છે. તેમજ ઉત્તમ આરોગ્ય સેવાઓને લઇને ગામના લોકોનો ખૂબ જ સહયોગ મળે છે.
નીરવભાઈ ત્રિવેદી દ્વારા સંકલન અને અન્ય જરૂરી તમામ સહકારની કામગીરી કરવામાં આવી હતી. આમ, સમગ્ર જિલ્લા તંત્રની મહેનત, સંકલન અને સેવાભાવનાને કારણે ભાવનગરના આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ આરોગ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે.