ગુજરાત ભૂમિ, ભાવનગર
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા જ્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. કલેક્ટરએ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રાંત અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદાર, બી.એલ.ઓ. તેમજ સેક્ટર ઓફિસરોની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ કર્મચારીઓના ખંતને જોઇને અન્ય કર્મચારીઓને પણ પ્રેરણાં મળતી હોય છે તેમ જણાવી તેમણે સુગમ, સમાવેશી અને સહભાગીની થીમ પર યોજાઇ રહેલાં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. ચૂંટણીમાં એકએક વોટ અગત્યનો હોય છે ત્યારે જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરીલે અને જો ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી.
આ માટેની નોંધણી એપ દ્વારા પણ કરી શકાય છે તે અંગેની જાગૃતિ લાવવાં માટે તેમણે તંત્રવાહકોને અનુરોધ કરતાં કહ્યું કે, ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બની લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે. આ પ્રસંગે ભાવનગર પુર્વનાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપધ્યાય, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એન.કટારા, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર ડો.એમ.એમ.ત્રિવેદી, વિવિધ વિભાગોનાં ડીનઓ, કોલેજનાં પ્રિન્સિપાલઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.