ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ ખુશીનો અવસર ડીજે સાથે ફટાકડા ફોડી ઉત્સાહભેર વધાવ્યો હતો.
અંદાજીત ૧ કરોડ ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦૦ મીટર સીસી રોડના કારણે સમસ્ત હિરાકોટ બંદર તથા આસપાસના ગ્રામજનોને અત્યાર સુધી પડતી હાલાકીનો અંત આવ્યો છે. જેની ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ પ્રતિભાવ આપ્યો હતો કે, અમે અત્યાર સુધી ખૂબ જ તકલીફો વેઠી છે પરંતુ હવે અમારી તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે અમે ધારાસભ્ય ઉપરાંત સરકારનો પણ આભાર માનીએ છીએ કે, તેમણે લોકપ્રતિનિધીની રજૂઆત ધ્યાને લીધી અને અમને મીઠું પરિણામ મળ્યું.
આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મને વધુ આનંદ છે કે, તમામને નવી સુવિધા મળી. ખાસ તો કદવાર અને લાટી ગામના ખેડૂતોનો પણ આભાર કે જેમણે સહકાર આપ્યો. લોકો માટે કામ કરવું એ મારી ફરજ છે અને આ રોડ મારા એકલાની નહીં પરંતુ આપણા તમામની કરેલી મહેનતની ફળશ્રુતિનું પરિણામ છે.
લોકાર્પણ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણસંઘ પૂર્વ પ્રમુખ રામસીભાઈ પંપાણીયાએ કર્યુ હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સુત્રાપાડા મામલતદાર, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ સમાજના અગ્રણીઓ અને બહોળા પ્રમાણમાં આસપાસના તમામ ગ્રામજનોની ઉપસ્થિતી રહી હતી.