ગુજરાત ભૂમિ, ભુજ
રાજ્યમાં સગીર/યુવાનો દ્વારા ચરસ, ગાંજા વગેરે જેવા નશીલા પદાર્થોના સેવન માટે સ્મોકિંગ એસેસરીઝ જેવી કે રોલીંગ પેપર/સ્મોકિંગ કોનનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી વ્યક્તિગત, જનસમુદાય તેમજ ખાસ કરીને યુવાપેઢી માટે ગંભીર ખતરો બની શકે તેમ છે. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા આવી સ્મોકિંગ એસેસરીઝનું ઓનલાઇન-ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેમજ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વગેરેમાં થતા સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ મૂકવા બાબતે જરૂરી કાર્યવાહી થવા સૂચના આપવામાં આવેલ છે તથા તેને સંલગ્ન પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામ તરફથી તા.૨૪/૦૨/૨૦૨૬વાળી દરખાસ્ત પણ રજુ થયેલ છે જે ધ્યાને લેતા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં ઓનલાઈન-ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેમજ તમામ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વગેરેમાં નશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે. આ જાહેરનામું તા. ૨૭/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
