ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ કલેક્ટર કચેરી ના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો.જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા. ૨૭ નવેમ્બર ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના ૧૨ જેટલા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે.
જે અન્વયે આજ રોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ૧૭૭૨ જેટલા બી.એલ.ઓ. દ્વારા જિલ્લાના તમામ મતદારોના ઘરે જઈને તા. ૪ નવેમ્બરથી તા. ૪ ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તે દરમિયાન કોઈ પણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહી.
તા.૪ ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ વેરીફાઈ થઈને આવશે તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પરત ન આવેલ ફોર્મની પણ એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ભારપૂર્વક SIR પ્રક્રિયા થકી લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે તેમ જણાવ્યું હતું. વધુમાં મૃત્યુ પામેલા કે કાયમી સ્થળાંતર કરેલા મતદારોને કમી કરીને ચોક્કસ મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મતદાન સઘન સુધારણા કાર્યક્રમનો છે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,મતદાન સઘન સુધારણા કાર્યક્રમ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. તે માટે કર્મીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, તા.૪ નવેમ્બરથી તા.૪ ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુંન તથા મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
