ગુજરાત ભૂમિ, બોટાદ
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં માર્ચ-૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧૦૬૫ કેસોનું સમાધાન થયું છે. જેમાં વિગતવાર આંકડાકીય વિગત જોઇએ, તો ૧૦૬૨ હંગામી ધોરણે આશ્રય, ૩૪ મહિલાને તબીબી, ૧૦૬૫ મનોવૈજ્ઞાનિક પરામર્શ , ૨૦૦ પોલીસ સહાય, ૨૬૬ મહિલાઓને કાયદાકીય, ૯૭૭ મહિલાઓનું પરિવાર સાથે પુન: મિલન, ૭૯ પિયર પક્ષના સભ્યોને સોપેલ,૯ નારી ગૃહમાં રીફર કરવામાં આવી છે. આમ, બોટાદ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ રહ્યું છે.
બોટાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક પરામર્શની સાથે સાથે કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય તેમજ હંગામી ધોરણે આશ્રયની સહાય પણ પુરી પાડવામાં આવે છે. અહીં આશ્રય મેળવતી મહિલાઓને સમયસર જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ સમયાંતરે તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે પુન:સ્થાપન કરાવવામાં આવે છે. જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કારણે પીડિત મહિલાઓમાં એક નવી આશાનો સંચાર થયો છે. આમ, મહિલાઓની મદદ માટે ‘સખી-વન સ્ટોપ સેન્ટર’ 24 x 7 કલાક કાર્યરત હોય છે. આ કેન્દ્ર પર તમામ કાર્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેથી મદદ માટે આવનાર મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી શકે અને ખુલીને પોતાની વ્યથા વ્યક્ત કરી શકે અને મદદ મેળવી શકે છે. બોટાદ ખાતે રેલ્વે સ્ટેશન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. “સખી” વન સ્ટોપ સેન્ટર (OSC) યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
“સખી” વન સ્ટોપ સેન્ટર યોજનાનો લાભ
કુટુંબની અંદર, ખાનગી કે જાહેર સ્થળો પર, સમુદાય સ્તરે અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનેલ કોઈ પણ કિશોરી/મહિલા લઈ શકે છે. ખાસ કરીને એવી કિશોરીઓ/મહિલાઓ કે જેઓ શારીરિક હિંસા, ભાવનાત્મક હિંસા, માનસિક હિંસા, ઘરેલું હિંસા, જાતિગત હિંસા, જાતીય સતામણી ,અનૈતિક દેહવ્યાપાર અને ડાકણ પ્રથા માંથી કોઇપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ હોય.
“સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા અપાતી સેવાઓ
હંગામી ધોરણે તાત્કાલિક આશ્રય, પરામર્શ (કાઉન્સેલિંગ) ની સેવાઓ, તબીબી સેવાઓ, વિડિઓ કોન્ફરન્સિંગ સુવિધા, પોલીસ સેવાઓ, ઇમર્જન્સી રિસ્પોન્સ અને રેસ્ક્યુ સર્વિસીસ, કાયદાકીય સેવાઓ અને પ્રિ તથા પોસ્ટ મેરેજ કાઉન્સેલીંગ વગેરે જેવી સેવાઓ આપવામાં આવે છે.
