પ્રાકૃતિક ખેતી વડે થતાં સ્વાસ્થ્યના લાભો
ગુજરાત ભૂમિ, બોટાદ
આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. તેથી દેશની મોટાભાગની જમીન પર ખેતી કરવામાં આવે છે અને મોટાપાયે હાનિકારક જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેનાથી દેશભરની જમીન હાલ પ્રદુષિત થઈ ગઈ છે અને તે પ્રદુષણ ધીમે ધીમે જમીનથી હવામાં અને પાણીમાં પણ ભળી રહ્યું છે. આ પ્રદુષણથી લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેથી આ તમામ પ્રકારની બીમારીઓ અને પ્રદુષણ ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી એક રામબાણ વિકલ્પ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા કહે છે. આજે આપણે આ લેખમાં જોઈશું કે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદાઓ થશે.
કુદરતી ખેતી કે પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારનાં રાસાયણિક ખાતર, જંતુનાશકો અથવા કૃત્રિમ વૃદ્ધિ માટે દવાઓનો ઉપયોગ થતો નથી. તેમાંથી ઉદ્ભવતા અનાજ, ફળો અને શાકભાજી સંપૂર્ણપણે કુદરતી હોય છે અને તેમાં કોઈ ઝેરી તત્વો હોતાં નથી. આવો ખોરાક ખાવાથી શરીરમાં હાનિકારક રસાયણો એકઠાં થતાં નથી, રાસાયણિક ખાતરોમાં જે રાસાયણિક તત્વો હોય છે તે કેન્સર, થાઇરોઇડ અસંતુલન, હૃદય રોગ અને ત્વચાનાં રોગો જેવાં લાંબા ગાળાના રોગોનાં ભોગ બનાવે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ રાસાયણિક તત્વો હોતાં નથી તેથી કેન્સર અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓ થતી નથી.
કુદરતી ખેતીમાંથી મેળવેલી ખાદ્ય ચીજોમાં રાસાયણિક તત્વોનાં અભાવને કારણે, તે શરીર માટે આરામદાયક અને સુપાચ્ય હોય છે. તેમાં ફાઇબર, ઉત્સેચકો અને પોષક તત્વોની માત્રા વધારે હોય છે જે પાચનને સરળ રાખે છે. જેના કારણે કબજિયાત, અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થતી નથી અને પેટ સ્વસ્થ રહે છે.
કુદરતી ખેતીમાંથી ઉત્પન્ન થતાં ખોરાકમાં વિટામિન, ખનિજો અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો વધારે હોય છે. આ પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ શરીરને સામાન્ય ચેપ, મોસમી રોગો અને એલર્જી સામે રક્ષણ આપે છે.
એકંદરે પ્રાકૃતિક ખેતી જેટલી જમીન માટે ફાયદાકારક છે તેનાથી વધુ લોકોનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતી વડે સ્વસ્થ અને લાંબુ આયુષ્ય મેળવી શકાય છે.
