ગુજરાત ભૂમિ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ૫૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા ૨૦૦ મણ મગફળી ખરીદવામાં આવે છે. અને બજાર ભાવો કરતા એક મણના ૩૦૦થી ૩૫૦ રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે. અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જગતના તાતને તેના પાકના પોષણક્ષમ ભાવો મળે તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હેતુ છે. અને ટેકાના ભાવે પાકોની ખરીદ પ્રક્રિયાથી આ હેતુ સિદ્ધ થઇ રહ્યો છે.
મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
