ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં માછલી, અન્ય દરિયાઈ જીવો તથા તેના જૈવિક કચરાનું ખૂલ્લા વાહનોમાં પરિવહન કરવામાં આવે છે. આ વાહનોમાંથી ચીકણું પ્રવાહી નીચે રસ્તા પર ઢોળાતું હોવાથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ઉભી થાય છે. ઉપરાંત ઘણાંખરા કિસ્સાઓમાં વાહનો સ્લીપ થવાના કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે.
ઘણા કિસ્સાઓમાં લોકોને ગંભીર ઈજા તથા જીવ ગુમાવેલ હોવાના પણ બનાવ બનેલ છે. આ પ્રકારના ખુલ્લા વાહનો તથા તેમાંથી નીચે રસ્તા પર ઢોળાતા પ્રવાહીના કારણે આજુબાજુના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ તથા ગંદકી ફેલાય છે. જેનાથી લોકોના જાહેર સ્વાસ્થ્યને નુકશાન થવાની પણ સંભાવના રહે છે. આથી, જાહેર જનતાની સુરક્ષા, સલામતી અને સ્વાસ્થ્ય માટે માછલી તથા અન્ય દરીયાઈ જીવો કે તેના જૈવિક કચરાનું ખુલ્લા વાહનોમાં પરીવહન કરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં માછલી તથા અન્ય દરિયાઈ જીવો કે તેના જૈવિક કચરામાંથી દુર્ગંધ ન ફેલાઈ તેમ યોગ્ય રીતે ઢાંકીને અથવા પેકિંગ કરીને તેમજ તેમાંથી કોઈપણ પ્રકારનું પ્રવાહી નીચે રસ્તા પર ન ઢોળાઈ તે રીતે પરિવહન કરવા હુકમ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું ૧૩ જાન્યુઆરીથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.