ગુજરાત ભૂમિ, જામનગર
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જામનગરમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અન્વયે રજૂ થયેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના જોડિયા ભૂંગા વિસ્તાર, મહાકાળી ચોક ઢીંચડા રોડ, મોહનનગર, યોગેશ્વરનગરમાં તેમજ જામજોધપૂર તાલુકાના ગીંગણી, પાટણ-પરડવા તથા સમાણા ગામે નવી દુકાનો ખોલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ દ્વારા મામલતદારઓ તરફથી રજૂ થયેલ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને વિવિધ કેટેગરીના અનુસંધાને ખોલવા પાત્ર થતી દુકાનોના જાહેરનામા પ્રસિધ્ધ કરવા અંગે કાર્યવાહી કરવાનો સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નુપુર પ્રસાદ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.
