સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે રાંદેર, અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે યોજાયો હતો. અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પી.એમ. આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર-રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે. હાલ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહિ રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનના દૂરંદેશીપૂર્ણ વિઝનથી રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશભરમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોમાં સ્થાન મેળવતા સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાજ્ય અને કેન્દ્રની આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધાઓ મળી છે. સુરત શહેર ભૂતકાળમાં અસ્વચ્છ શહેર હતું, પરંતુ આજે સુરત સ્વચ્છતાની મિસાલ કાયમ કરી રહ્યું છે. સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં યોજનાકીય સહાયથી ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા દક્ષિણ ગુજરાતથી શરૂ કરેલુ રાજ્યવ્યાપી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ દેશવાસીઓને જળસંચય દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની નવી રાહ ચીંધી રહ્યું છે. મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યુ હતું કે, જેમ જેમ સુરત વિકાસની તેજ ગતિ સાથે ઝડપથી વિસ્તરી રહ્યું છે, તેમ રાજ્ય-કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ આવાસીય સુવિધાઓ, ઈન્ફાસ્ટ્રકચર સહિત જનસુખાકારીની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. પીએમ આવાસ યોજનાએ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. પી.એમ.આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં સુરત રાજ્યભરમાં મોખરે છે.
વિશ્વફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતું સુરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે, સુરતના ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, વિવિધ સમિતિના અધ્યક્ષ, કોર્પોરેટર્સ સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.