ગુજરાત ભૂમિ, ડાંગ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાશોથી તારીખ ૨૧મી જુનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્ત જીવનશૈલી અને નિરોગી જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. યોગના આવા જ એક કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૫ અને ૧૬ ડિસેમ્બરના રોજ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય ‘શિતકાલીન યોગ શિબિર’ યોજાઇ હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધી ૧.૫ લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યાં છે. આવનાર સમયમાં ૧૦ લાખ યોગ ટ્રેનરનો તૈયાર કરવાનો લક્ષ નિર્ધારીત કર્યો છે. આ તૈયાર થયેલા યોગ ટ્રેનરો મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્તિઓ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ કલાસ શરૂ કરી સતત આરોગ્યલક્ષી પ્રયત્નો થઇ રહયા છે. ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો છે. અહિ પ્રકૃતિની ગોદમાં વસતા આદિવાસીઓ લોકો યોગી બને નિરોગી અને સ્વસ્થ બને તે માટે ગુજરાત યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. ગુજરાત રાજ્યના યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના એક પેડ માં કે નામ, બેટી બચાવો બેટી પઢાવો, અને વ્યશન મુક્ત જેવા અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. તેમ યોગ બોર્ડના ચેરમેનએ વધુમાં જણાવ્યું હતું. આહવા ખાતે તારીખ ૧૫ ડિસેમ્બરના રોજ સાંજના ૦૫ થી ૦૭ કલાક અને તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ સવારના ૬:૧૫ થી ૦૮:૧૫ કલાક દરમિયાન યોજાયેલ ‘શિતકાલીન યોગ શિબિર’ નો મુખ્ય હેતુ લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગે જાગૃતતા લાવવા તેમજ લોકો યોગ તરફ પ્રેરાય તે માટેનો હતો. આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, તેજસ્વિની સંસ્કૃતિ ધામના બ્રહ્મવાદિની સુશ્રી હેતલ દીદી, સુરત ઝોનના યોગ કો-ઓર્ડિનેટર શ્રીમતી પ્રિતીબેન પાંડે, ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર સુ. પ્રિયંકાબેન ભોયે સહિત જિલ્લાના યોગ કોચ, યોગ ટ્રેનરો, સુરક્ષાકર્મીઓ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી સામુહિક સામુહિક યોગાભ્યાસ કર્યો હતો.