ગુજરાત ભૂમિ, સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ૩૧માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ ૧૮૯ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઈતિહાસ રહેલો છે. સમાજને જયાં પણ જરૂર હશે ત્યા સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને શિક્ષણથી લઈને અનેકક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે. દરેક સમાજ સમુહલગ્નમાં જોડાયો છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સમૂહલગ્નએ સમાજની એકતાનો મહોત્સવ છે. આશરો તો આહીરનો એ સમાજની આગવી ઓળખ રહી છે. સૌ સમાજો આગળ વધે તે માટે વડાપ્રધાને સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સમૂહલગ્ન એ સદભાવ, સમભાવ અને મમભાવના પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. સમાજના આર્થિકરીતે નબળા પરિવારો સમૂહલગ્નમાં જોડાઈને સરળતાથી પોતાનો પ્રસંગપાર પાડી શકે છે. સમાજમાં સંપ, એકતા, ભાઈચારાના અવિરત જનસેવાની ભાવના વિકસે છે ત્યારે સમગ્ર રાજય અને રાષ્ટ્રના વિકાસની ગતિ તેજોમય બને છે. સમાજના નવયુગલો જન્મદિવસ કે અન્ય પ્રસંગના દિવસે વડાપ્રધાનના એક પેડ મા કે નામ અનુસરીને માતાને નામે એક વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ કરવાનો તેમજ જળસંચયના કાર્યમાં જોડાવાનો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો.
સુપ્રસિધ્ધ રામકથાકાર મોરારજીબાપુએ સૌ દંપતિઓને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, સૌ યુગલો જીવનમાં પ્રેમ, કરૂણાની ભાવના સાથે લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સૌ નવદંપતિઓનું લ્ગનજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, સાત લગ્નથી શરૂ થયેલી શ્રુંખલા આજે ૩૧માં સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે જે બદલ સમાજના સૌ શ્રેષ્ઠીઓને વંદન કર્યા હતા. વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ સાત કરોડની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહલગ્નમાં જોડાઈને જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે ૩૧માં સમુહ લગ્નના ભોજન ખર્ચના દાતા શ્રી વરજાંગભાઈ જીલરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, બિહારના ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી સંતોષકુમાર, મેયર શ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્યઓ, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનિષાબેન આહિર, અગ્રણી ભરતભાઈ ડાંગર, રધુભાઈ હુંબલ, ડાહ્યાભાઈ, સહિત સમાજશ્રેષ્ઠીઓ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.