ગુજરાત ભૂમિ, સુરત
રાજ્યમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ ઈમરજન્સી સેવા માનવ જીવન માટે જીવાદોરી બની છે. ઓલપાડ તાલુકાના કંણભી પારડી ગામની છ માસની સગર્ભા મહિલાને સાપે ડંખ માર્યો હોવાની માહિતી મળતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર અર્થે પહોચીને મહિલાને હોસ્પિટલ પહોંચાડીને એક સાથે બે જીદગીને ઉગારી છે. સુરતની ૧૦૮ સેવાના જિલ્લા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ટેરીટરી ઇન્ચાર્જ અજયે જણાવ્યું હતું કે, ગત રાત્રે રાંદેર ૧૦૮ની ટીમને ઓલપાડ તાલુકાના કંણભી પારડી ગામ ખાતે એક મહિલાને સ્નેક બાઈટ થયાનો કોલ મળ્યો હતો.
કોલ મુજબ રાંદેર ૧૦૮ ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યાં જઈને EMT શબ્બીર બેલીમએ તપાસ કરતા ૨૨ વર્ષીય મહિલાને જમણા પગે સાપે ડંખ માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેમને ૬ મહિનાની સગર્ભા છે. એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર શરૂ કરી. EMT શબ્બીરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક સારવારમાં દર્દીનું બ્લડ પ્રેસર ખૂબ જ ઓછું હોવાનું નિદાન થયું હતું. સાથે શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થતી હોવાના કારણે પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે ૧૦૮ની ટીમે પરિવારને આશ્વાસન આપી હિમ્મત આપીને જરૂરી પ્રાથમિક સારવાર શરૂ કરી. ઓક્સિજન આપી સાયણની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. પરંતુ દર્દીની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ થવા જણાવ્યું હતું. દર્દી મૂળ ડાંગ જિલ્લાના રહેવાસી છે અને ઓલપાડ ખાતે શેરડી કાપણીનું કામ કરે છે. દર્દીના પતિએ જણાવ્યું કે, અમે ખૂબ જ ચિંતામાં મુકાયા હતા. મારી પત્ની સગર્ભા છે. મારું ૨ વર્ષનું નાનું બાળક પણ છે. એકા એકા સાપે ડંખ માર્યો હોવાનું જાણવા મળતા એક સમયે શું કરવું કંઈ ખબર જ ન રહી. પરંતુ રાજ્ય સરકારની ઈમરજન્સી ૧૦૮ સેવાની સેવાએ અમારી પરિવારની બે જીદંગી બચાવી લીધી છે. જે બદલ ૧૦૮ની ટીમ અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો.