ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આવા જ એક પગલામાં જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે 520 જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે ઈણાજ કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટૂ મિનિટ અને સેકન્ડ ટૂ સેકન્ડ જોઈને વૉચ રાખવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, વેબકાસ્ટિંગ રૂમ ખાતેથી 519 મતદાન મથકો પર તેમજ કોડિનારમાં ક્રાઉડ મેનેજમેન્ટ ખાતે 1 મળી કુલ 520 સ્થળ પર લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તેમજ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સમયાંતરે વેબકાસ્ટિંગ રૂમની મુલાકાત લઈ સમગ્ર ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે અને જરૂર જણાયે કંટ્રોલ રુમ ખાતેથી જરૂરી વિગતો મેળવી સ્થળ પર હાજર ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી રહી છે.
વેબકાસ્ટિંગ રૂમ પરના અધિકારીઓ દ્વારા કંઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ જે-તે વિસ્તારના મતદાન બૂથ પર પ્રિસાઈડિંગ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવે છે. આ રીતે વેબકાસ્ટિંગ સિસ્ટમ ત્રીજી આંખ સમાન બની કાર્ય કરવામાં આવે છે.