ગુજરાત ભૂમિ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તા. ૨૬, ૨૭ અને ૨૮ માર્ચના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી.
૧૬- આણંદ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસરને જિલ્લા ચૂંટણી અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૦૧ મે, ૨૦૨૪ ના રોજ સવારના ૮.૦૦ કલાકથી સાંજના ૧૮.૩૦ કલાક દરમિયાન નિર્ધારીત સમયમર્યાદા મુજબ બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે.
નોંધનીય છે કે બીજા તબક્કાની તાલીમના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને તાલીમના સ્થળે જ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરાવવામાં આવશે.
આણંદ જિલ્લામાં આરંભાયેલી આ તાલીમ સંદર્ભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનના જણાવ્યા પ્રમાણે ૧૦૮- ખંભાત વિધાનસભા મત વિસ્તારની તાલીમ મેતપુર પ્રાથમિક શાળ, મેતપુર, તા. ખંભાત ખાતે, ૧૦૯- બોરસદ વિધાનસભા મતવિસ્તારની તાલીમ એક્સીલેન્ટ હાઈસ્કૂલ, વહેરા ખાતે, ૧૧૦- આંકલાવ વિધાનસભા મત વિસ્તારની તાલિમ આંકલાવ હાઈસ્કુલ, આંકલાવ ખાતે, ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની તાલીમ ડી.એમ.પટેલ આર્ટ્સ કોલેજ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ, ઓડ ખાતે, ૧૧૨- આણંદ વિધાનસભા મતદાર વિભાગની તાલીમ ડી.એન.હાઇસ્કુલ ખાતે, ૧૧૩- પેટલાદ વિધાનસભા મત વિસ્તારની તાલીમ ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ, પેટલાદ ખાતે અને ૧૧૪- સોજીત્રા વિધાનસભા મત વિસ્તારની તાલીમ એમ.એમ.હાઇસ્કુલ, સોજીત્રા ખાતે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીની રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં ઊભા કરવામાં આવનાર ૧૭૭૩ મતદાન મથકો માટે ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં નિમાયેલા અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.