ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સતત બીજા દિવસે લોકસભાની આગામી ચૂંટણી નિર્ભયતાપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાના વિવિધ ગામોના સંવેદનશીલ બુથ અને મહિલા મતદાતાઓની ટકાવારી ઓછી ધરાવતા ગામોની મુલાકાત લીધી હતી.કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવિધ ગામોના સંવેદનશીલ મતદાન મથકો અને મહિલાઓના ઓછા મતદાન ધરાવતા ગામોમાં મુલાકાત લઈને લોકો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, લોકો ધર્મ, વંશ, જ્ઞાતી, જાતી, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના નિર્ભયતાપૂર્વક મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને જોડાય તે સમયની માંગ છે.
કલેક્ટરએ આજે તાલાલા ચોકડી થી ઇણાજ સુધી મતદાન જાગૃતિ રેલીમાં જોડાવા સાથે ગોવિંદપરા, ઈણાજ, મોરાજ, સેમરવાવ, ઘુસીયા, તાલાલા, ગુંદરણ, માધુપુર ગીર સહિતના ગામોમાં મુલાકાત લઇને ઉભા કરવામાં આવેલા મતદાન મથક ખાતેની સ્વચ્છતા, મતદાન મથક ખાતે ઉભી કરવામાં આવેલી સગવડોની જાત માહિતી મેળવી હતી.
કલેક્ટરએ તાલાલામાં શાકભાજી બજારમાં લોકો તથા વેપારીઓને ચૂંટણીના આ મહાપર્વમાં સામેલ થવા માર્ગદર્શિત કર્યા હતાં. તેમજ તાલાલા બસ સ્ટેશન થી સરદાર ચોક સુધી મતદાન જાગૃતિના પોસ્ટર અને બેનર સાથે ફ્લેગમાર્ચ યોજી હતી. તેમણે ઘુંસિયા ગામે મતદાન જાગૃતિ માટેના સાઇન બોર્ડમાં સહી કરી હતી. માધુપુર ખાતે ઉભા કરવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ, રંગોળી સહિતની મતદાર જાગૃતિની તેમણે સરાહના કરી હતી.જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે મહિલાઓના ઓછા મતદાન ધરાવતા ગામોમાં મહિલા મતદારો સાથે સંવાદ કરીને જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવે ઉત્સાહભેર મતદાન કરવા માટે આગળ આવે.મતદાન જાગૃતિ માટેના આ અભિયાન દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા, પી.આઈ. એમ.વી.પટેલ, એસ.વી.સિંધવ, વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડૂડિયા, તાલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.