ગુજરાત ભૂમિ, ભાવનગર
રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગર જિલ્લાના પ્રવાસીઓના અકસ્માત સંદર્ભે જિલ્લા તંત્ર સતત પ્રયત્નશીલ છે. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા ભરતપુર(રાજસ્થાન)ના સ્થાનિક વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બનાવ સંદર્ભે કામગીરી કરી રહ્યા છે.
હાલ પ્રાપ્ત વિગતો મુજબ ૧૩મી સપ્ટેમ્બરની વહેલી સવારે ભરતપુર જિલ્લાના નદબઇ વિસ્તારમાં યાત્રિકોની બસમાં ખામી સર્જાતા રિપેરિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતા બસની બહાર ઉભેલા અને અંદર બેઠેલા ૧૧ વ્યક્તિના મૃત્યુ થયા છે અને ૧૧ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ પ્રવાસીઓ કાર્તિક ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા, જેને નંબર GJ 04 V 7747 છે. મૃતકો અને ઇજાગ્રસ્તોને ભરતપુરની આર.બી.એમ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકો અને ઇજાગ્રસ્તો ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે અને તેઓ ભાવનગરથી મથુરા જઇ રહ્યાં હતાં.
જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા તેમજ નિવાસી અધિક કલેક્ટર બી. જે. પટેલના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ કાર્યરત છે.