ગુજરાત ભૂમિ, અમદાવાદ
રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા વિચારણા કરવામાં આવશે. હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી યોજનાઓમાં પણ પશુપાલકોના હિતમાં જરૂર જણાય તો બદલાવ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માલધારી સમાજને રાજ્ય સરકારની પશુ કલ્યાણકારી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આપીને પગભર અને શિક્ષિત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ આજે ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર, કચ્છ,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના માલધારી સમાજના ભાઈ-બહેનો સાથે સંવાદ કરતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
ગુજરાતમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યના માલધારી-પશુપાલન સમાજની વિવિધ રજૂઆતો માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલના આધ્યક્ષ સ્થાને સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મેહસાણા, જામનગર, મોરબી, જૂનાગઢ, અને આણંદના માલધારી સમાજના પશુપાલક ભાઈ-બહેનો સહભાગી થઈને મંત્રીને વિવિધ રજૂઆતો કરી હતી.
પશુપાલન મંત્રી પટેલે આ સંવાદનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, માલધારી સમાજની સૂચનો-રજૂઆતોના હકારાત્મક ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર છે. જેના ભાગરૂપે આજે પશુપાલન વિભાગ દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પશુપાલકોને વધુ આત્મનિર્ભર બનાવીને આર્થિક પગભર બનાવાવા પ્રથમવાર પશુ આરોગ્ય મેળાઓનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે જેના પરિણામે આજે ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.
મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરીકોની ઈમરજન્સી સારવાર માટે ૧૦૮ કાર્યરત છે તેમ પશુઓને પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ કાર્યરત છે. રાજ્યમાં કુલ પપર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, ૭૦૨ સ્થાયી પશુ દવાખાના તેમજ ૩૪ વેટરીનરી પોલીક્લીનીક ખાતે નિઃશુલ્ક પશુ સારવાર પુરી પાડવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં ૩૭ કરૂણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨ કાર્યરત એકમો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫.૧૪ લાખથી વધુ નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવી છે.
મંત્રી ઉમેર્યું હતું કે, આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા “દસ ગામ દીઠ એક ફરતાં પશુ દવાખાના” યોજના અંતર્ગત પીપીપી ધોરણે છેલ્લા બે વર્ષમાં કુલ ૪૬૦ થી વધુ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે. આ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ હેઠળ રાજ્યના ૫૩૦૦ થી વધુ ગામોને આવરી લઈને ૪૪ લાખથી વધુ નિઃશુલ્ક પશુ સારવાર પુરી પાડવામાં આવી છે.
પશુઓને સમયસર તાત્કાલિક સારવાર મળી તે માટે અંદાજે ૧૭૦ પશુ ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે સત્વરે પૂર્ણ કરશે.
મંત્રીએ માલધારીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, રાજ્યના ૫૩.૨૪ લાખથી વધુ નાના પશુઓ જેવા કે ઘેટા-બકરાનું રસીકરણ કરવામાં આવશે. રાજ્યમાં ગત વર્ષે જોવા મળેલા લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળા દરમિયાન નીરોગી પશુઓને આ રોગથી બચાવવા માટે રાજ્યમાં કુલ ૬૩ લાખ પશુઓમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે જેમાં ગુજરાતના ૮૫ ટકા ગૌ વંશને આવરી લેવાયો છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વિવિધ સંસ્થાઓમાં રાખવામાં આવતા રખડતા પશુઓના નિભાવવા માટે પ્રતિ દિન પશુ દિઠ રૂ. ૩૦ લેખે નિભાવ સહાય આપવામાં આવે છે. શહેરો અને ગ્રામ્ય પ્રદેશોમાં છોડી મુકવામાં આવતા રખડતા ઢોરથી સર્જાતા અકસ્માત દ્વારા થતી માનવ જાનહાની અટકાવવાનો ઉલ્લેખ કરીને તેની યોગ્ય વ્યવસ્થા કરવા પણ મંત્રીશ્રીએ આ સંવાદમાં પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
મંત્રીએ કહ્યું હતું કે, કૃત્રિમ બીજદાન દ્વારા ઉત્તમ પ્રકારની પશુ ઔલાદ પેદા થાય છે જેના થકી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય. આ ઉપરાંત સેક્સડ સિમેન દ્વારા ૮૦ થી ૯૦ ટકા કિસ્સામાં પાડીઓ-વાછરડીઓને જન્મ આપી શકાય છે. આ નવી પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા તેમજ નાના પશુપાલકો માટેની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા પશુપાલકોને મંત્રીએ સૂચન કર્યું હતું.
વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત માલધારી સમાજના આગેવાનો અને ભાઈ-બહેનોએ પશુપાલન મંત્રી દ્વારા તેમની રજૂઆતો સાંભળવાની પહેલને આવકારીને વિવિધ રજૂઆતો કરતા કહ્યું હતું કે, વધુમાં વધુ વિનામૂલ્યે પશુ સારવારનો લાભ-વીમો મળે, દૂધ ઉત્પાદન અને આવકમાં વધારો થાય, ઘેટા દ્વારા આપવામાં આવતા ઉનની ખરીદીની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી, પશુ ખરીદી માટે ઓછા વ્યાજે લોન, પશુ-માલની હેરફેર માટે યોગ્ય માળખું તૈયાર થાય, માલધારીઓને વીજળી-પાણીની વ્યવસ્થા મળે, વધુને વધુ ગૌપાલક મંડળીઓ બનાવવામાં આવે તેમજ સ્થળાંતરીત કરતા માલધારીઓના બાળકો માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય તે દિશામાં રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી છે. મંત્રી રાઘવજી પટેલના હસ્તે આ પ્રસંગે પશુપાલન વિભાગના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન ઠાકરે પશુપાલન વિભાગ દ્વારા માલધારી સમાજ સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ પશુ કલ્યાણલક્ષી યોજનાઓની રૂપરેખા આપીને પશુપાલકોને માહિતીગાર કર્યા હતા. આ સંવાદમાં માલધારી સમાજના સંતો, આગેવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહીને મંત્રી સાથે તેમની રજૂઆતો અંગે ખુલ્લા મને સીધો સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવ કે.એમ.ભીમજીયાણી, ગુજરાત માલધારી સેલના ડૉ.સંજય દેસાઇ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના માલધારી સમાજના આગેવાનો, ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.