‘G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’
ગુજરાત ભૂમિ, ભાવનગર
આજરોજ કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ રમત સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સીદસર ખાતે અંદાજિત ૨૦૦૦ લોકો જોડાશે.
વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ (૫૭-શાળાઓ ), અમૃત સરોવર બોરતળાવ, પરશુરામ પાર્ક સુભાષનગર, તખ્તેશ્વર મહાદેવ મંદિર, વિક્ટોરિયા નેચરલ પાર્ક, સરદારબાગ (પીલ ગાર્ડન), તમામ વોર્ડ કક્ષાના કાર્યકમ, શહેરી કક્ષાના તમામ પોલીસ સ્ટેશન, શહેરી કક્ષાના તમામ આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ ભાવનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૭૫ સ્થળો પૈકી ભાવનગરના બે સ્થળો મોડલ સ્કુલ સીદસર અને ઘોઘા સર્કલ અખાડો ઘોઘા સર્કલ ખાતે કાર્યક્રમો કરવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગરની ૧૭ જેટલી સંસ્થાઓ જેવી કે યોગ એન્ડ કલ્ચર એસોશિએશન ઓફ ગુજરાત (લાઈફ મિશન યોગ સંસ્થા), પતંજલિ યોગ સંસ્થા, આર્ટ ઓફ લિવિંગ, નેહરુ યુવા કેન્દ્ર, જૈન જાગૃતિ સેન્ટર, બ્રહ્મકુમારી સંસ્થા, ગાયત્રી પરિવાર, સમર્પણ ધ્યાન કેન્દ્ર સહિતની સંસ્થાઓ જોડાશે.
આ તકે મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય એ જણાવ્યું હતું એ કે ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી મોડલ સ્કુલ, સીદસર ખાતે અંદાજિત ૨૦૦૦ લોકો જોડાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ વોર્ડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, સ્વિમિંગ પૂલ, સરદારબાગ સહિતના સ્થળોએ યોગના કાર્યક્રમો યોજવામાં આવશે.
આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પણ તમામ પોલીસ, પી.એચ.સી.સેન્ટર ખાતે કાર્યક્રમ કરવામાં આવશે તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.