ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
વાવાઝોડાની સંભવિત અસર સામેની પૂર્વ તૈયારીની ચકાસણી માટે જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી આગોતરા આયોજન તેમજ ભયજનક સ્થિતીની પળોમાં વ્યવસ્થા અને લોકસમસ્યાઓના નિરાકરણ વિશે શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સૂચન આપી માર્ગદર્શિત કર્યા હતાં.
સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મંત્રીશ્રીને જિલ્લાની પ્રાથમિક માહિતી આપી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રના વિવિધ વિભાગોની તૈયારીઓ વિશે અવગત કર્યા હતાં. જે પછી મંત્રીશ્રીએ વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા તેમજ ગીરગઢડાના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાઈ વિસ્તારો પર બાજનજર રાખવા તેમજ આવા વિસ્તારોના સ્થાનિક માછીમારોના સ્થળાંતર તેમજ રહેવા અને ભોજનની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી.

આ ઉપરાંત મંત્રીએ પીવાના પાણીની વ્યવસ્થા, સગર્ભા અને વૃદ્ધો માટે આરોગ્યલક્ષી સુવિધા, અવિરત વીજ પુરવઠો, જિલ્લાના આશ્રયસ્થાન વિશે માહિતી મેળવી આશ્રિતોની રહેવા તથા ભોજન વગેરેનું આયોજન અને વ્યવસ્થા વિશે બારીકાઈથી માહિતી મેળવી વિવિધ મુદ્દે વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને સુનિયોજીત રીતે સમયસર કાર્ય પૂરુ કરવા સુચનાઓ આપી હતી.
ઉપરાંત મંત્રીએ જનપ્રતિનિધિઓને કટોકટીની સ્થિતી સર્જાય તો ફૂડપેકેટની આગોતરી વ્યવસ્થા અને લોકસમસ્યાઓના ત્વરિત અને હકારાત્મક વલણ વિશે વિવિધ સૂચનો પર પણ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રજાલક્ષી અભિગમને બીરદાવ્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રીની સમિક્ષા મિટિંગમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, ડૉ.પ્રદ્યુમન વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, નગર પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના અગ્રણીઓ તેમજ આરોગ્ય, પીજીવીસીએલ, માર્ગ અને મકાન, ખેતીવાડી, બાગાયત, પશુપાલન સહિત તમામ અગ્ર વિભાગોના શીર્ષ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
