ગુજરાત ભૂમિ, થરાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે.
અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી પડે છે. ક્યાંક નાના બાળકો અનાથ બની જાય છે તો ક્યાંક માતા-પિતાનો એક નો એક સહારો છીનવાઈ જાય છે. ઘડીભરમાં હસતો, ખિલ-ખિલાટ કરતો પંખીનો માળો વેરવિખેર થઈ જાય છે. આવા તો અનેક કિસ્સા આપણી સામે આવતા હોય છે. આવા કિસ્સાઓ રોકી શકાય છે, જરૂર છે માત્ર સાવચેતી અને જાગૃતિની જેને લઇને થરાદ ખાતે સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.