ગુજરાત ભૂમિ, અમદાવાદ
ભારતના માન.વડાપ્રધાન તા. ૧૨/૦૫/૨૦૨૩ના રોજ અમદાવાદ શહેર ખાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવ તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જે અન્વયે હું પ્રેમ વીર સિંહ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને ૧૯૭૩ (૧૯૭૪ના નં-૨ ની) કલમ ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આ જણાવેલ સમયે મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરું છું. જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ ફરમાવું છું. આ હુકમ તા. ૧૨/૦૫/૨૦૨૩ના રોજ સવાર કલાક ૦૬.૦૦થી કલાક ૨૨.૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

