ગુજરાત ભૂમિ, ભરૂચ
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારી- ગુજરાત રાજ્ય દ્વારા ભરૂચ જિલ્લાના ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તરીકે ઉદિત અગ્રવાલની નિયુક્ત કરવામાં આવ્યા છે. રોલ ઓબ્ઝર્વરએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાર વિસ્તારમાં ઝૂંબેશના ભાગરૂપે બીએલઓ(બુથ લેવલ ઓફિસર) દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના નિરિક્ષણ માટે રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ જિલ્લાના મતવિસ્તારમાં આવતા વિવિધ બુથ ઉપર જઈને ચૂંટણીલક્ષી કરવામાં આવતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તથા હાજર સ્ટાફને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લામાં ૧૮ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા યુવક-યુવતીઓની સત્વરે નવી મતદાર યાદીમાં નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સ્થળ પર હાજર કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. રોલ ઓબ્ઝર્વર તેમજ જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમિયાન બી.એલ.ઓ સાથે ફોર્મ નંબર-૬, ફોર્મ નંબર-૬(ખ), ફોર્મ નંબર-૭ સહિત મરણ પામેલા મતદારોના નામ કમિ કરવા માટે બીએલઓને મળેલી સુઓમોટોની કામગીરીનો યોગ્ય રીતે અમલ કરી ચોકસાઈ પૂર્વકની મતદાર યાદી તૈયાર થાય તેમજ એકજ વ્યક્તિનું નામ એક જ ભાગની મતદાર યાદીમાં પુનરાવર્તિત ન થાય તે જોવા ખાસ સૂચના આપી હતી. રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલની જિલ્લાની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એસ પી ગાંગુલી,પ્રાંત અધિકારી જાડેજા સહીત મતદાર નોંધણી અધિકારી ચૂંટણી સંદર્ભની નિરિક્ષણ કામગીરીમાં જોડાયા હતા.