ગુજરાત ભૂમિ, બોટાદ
ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પાંજરાપોળ જેવી સંસ્થાઓ જીવદયાને વરેલી હોય છે. બ્રાઝિલમાં આર્થિક ક્રાંતિની પાછળ અહીંની ગાયોની પ્રજાતી નો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના થકી પશુદીઠ સહાયની ચૂકવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પાંજરાપોળના સાચા સંચાલકો જે સહાયથી વંચિત રહ્યાં છે તેમને પણ આગામી સમયમાં સહાયની ચુકવણી કરાશે તેમ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે સતત કાર્યરત છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
પશુ-પંખીઓ જીવમાત્ર માટે અનુકંપા દાખવનારા પાંજરાપોળના સંચાલકોને મંત્રી પટેલે અભિનંદન પણ પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પાંજરાપોળના સંચાલકોએ મંત્રી રાઘવજીભાઈ પટેલને ગૌમાતાનું સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. અંતમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અન્ય મહેમાનોએ બોટાદ પાંજરાપોળ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ વેળાએ પ્રમુખએ ગૌશાળાની પ્રવૃતિઓથી મંત્રીને વાકેફ કર્યાં હતાં. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને અધિક નિવાસી કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી સહિત પાંજરાપોળના પ્રમુખશ્રી મનિષભાઇ ગાંધી, ધવલભાઇ, કેતનભાઇ વસાણી સહિત જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.