ગુજરાત ભૂમિ, સોમનાથ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર ભક્તો માટે “બિલ્વપુજા સેવા” લોન્ચ કરવામાં આવી હતી. જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી મહાશિવરત્રિના પર્વે સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પૂજામાં જોડાનાર ભકતોને સોમનાથ મહાદેવના કૃપાપ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ ભરમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ સાથે વિશ્વનું સૌથી ધનિષ્ઠ એવું ભારતીય પોસ્ટ વિભાગ સોમનાથ ટ્રસ્ટના આ ભગીરથ પ્રસાદ વિતરણ માં જોડાયું છે.
દેશના તમામ રાજ્યોમાં સોમનાથ મહાદેવની 21₹ વિશેષ બિલ્વ પૂજા ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. 1.40 લાખ થી વધુ ભક્તોએ એકજ સમય માટે એક પૂજા નોંધાવી હોય એ કદાચિત વિક્રમજનક ઘટના છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org, રેઝર-પે, somnathprasad.com, અને સોમનાથ પૂજાવિધિ કાઉન્ટર આ 4 માધ્યમો પર આ વિશેષ પૂજા ભક્તો દ્વારા બુક કરવામાં આવેલ. ત્યારે દેશભરમાં વસતા દરેક ભક્તને સોમનાથ મહાદેવનો કૃપા પ્રસાદ અચૂક મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ તૈયારીઓ કરી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા બુક કરનાર ભકતોએ આપેલા સરનામાં પર એક એન્વેલપ મોકલવામાં આવશે જેમાં પૂજા નોંધવા બદલ સન્માન પત્ર, રુદ્રાક્ષ, ભસ્મ પ્રસાદ, અને બિલ્વપત્રનો નમન સ્વરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની લાખો પ્રસાદ કીટ સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા સતત તૈયાર કરવામાં આવી છે. જેથી ભકતોને વેહલામાં વેહલી તકે મહાદેવનો કૃપા પ્રસાદ પહોંચી શકે.આ પ્રસાદ પહોંચાડવા ટ્રસ્ટ દ્વારા વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્ક ભારતીય પોસ્ટ ને માધ્યમ તરીકે પસંદ કરેલ છે. ભારતીય પોસ્ટ વિભાગ 150 થી વધુ વર્ષોથી દેશના સંદેશાવ્યવહારની કરોડરજ્જુ છે. અને ભારતીય પોસ્ટ દેશના સામાજિક આર્થિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. દેશભરમાં 1,55,000 થી વધુ પોસ્ટ ઓફિસો સાથે ભારતીય પોસ્ટ વિભાગ વિશ્વમાં સૌથી વધુ વિસ્તૃત પોસ્ટલ નેટવર્ક છે.
રાજ્યના પોસ્ટ માસ્ટર જનરલ નીરજકુમાર ને નારણપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા દેશભરમાં પૂજા બુક કરનાર શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરેલ પ્રસાદ ના એન્વેલપ ના બોક્સ સોંપવામાં આવ્યા હતા. પોસ્ટ વિભાગ દ્વારા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ભગીરથ કાર્યમાં પોસ્ટને જોડવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસને વિશેષ રૂપે શણગારવામાં આવી હતી. ઢોલ શરણાઈ ના નાદ સાથે આ પ્રસાદનું હસ્તાંતરણ કરાયું હતું.
આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ એ સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ 21 ₹ બિલ્વ પૂજા વિશે સૌને માહિતી આપી હતી. અને આ પ્રસાદ પહોંચાડવાનું કાર્ય એ દેશભરમાં વસતા ભકતો ને મહાદેવ સાથે જોડવાનું કાર્ય છે તેમ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના પોસ્ટ માસ્ટર જનરલ નીરજ કુમારે આ કાર્ય પોસ્ટ વિભાગને મળવું એ દૈવીય સંકેત ગણાવ્યો હતો. નીરજ કુમારે તમામ પોસ્ટમેનને સાથે મળીને આ કાર્ય ઈશ્વરે સોંપેલું કાર્ય છે. આ કાર્ય આપણું પોતાનું કાર્ય છે તેમ માનીને સત્વરે પ્રસાદ વિતરણમાં સક્રિય થવા નિર્દેશ કર્યા હતા.
નારણપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે દેશભરમાં મોકલવા માટેના પ્રસાદ ના એન્વેલપ ના બોક્સ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. સોમનાથ થી પધારેલા પંડિતજીએ પોસ્ટ મેનોને ચંદન તિલક કરીને આ શુભ કાર્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના સચિવ અને રાજ્યના મુખ્ય પોસ્ટ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને પોસ્ટમેનોને બિલ્વ પૂજાના પ્રસાદ વિતરણ કાર્ય માટે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસાદની પ્રથમ બેચના પ્રસાદના એન્વેલપ પોસ્ટ વિભાગ દ્વારા દેશ ભરમાંથી પૂજા બુક કરનાર શ્રદ્ધાળુઓના સરનામાં પર સુચારુ રૂપે પહોંચવામાં આવશે.
આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા.