ગુજરાત ભૂમિ, રાજકોટ
દરેક વ્યક્તિ યોગ કરીને નિરોગી બને, તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટના વિમલ નગર મેઇન રોડ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્ર ઝોનના કો ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના સહકાર અને આયોજન તથા રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ત્રણ તબક્કામાં યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નવ વર્ષથી તમામ વયની વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ બોયઝ અને ત્રણ ગર્લ્સ મળીને જિલ્લાની છ વ્યક્તિઓને પસંદ કરવામાં આવશે. જેઓ દ્વિતીય કક્ષાએ કોર્પોરેશન લેવલે ભાગ લેશે જેમાં વિજેતા બનનાર રાજ્ય કક્ષાએ ભાગ લેશે જેમાંથી સમગ્ર રાજ્યમાંથી ૪૮ લોકોને શ્રેષ્ઠ યોગાવીર તરીકે પસંદ કરવામાં આવશે. રાજકોટ કોર્પોરેશન ખાતે રાજકોટ મોરબી અને કચ્છ જિલ્લાના પ્રતિસ્પર્ધીઓ આગામી તા. ૨૦ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાગ લેશે અને તેમાંથી વિજેતા બનનાર રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોગાસન સ્પર્ધામાં ૨૬૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૬૦ % થી વધુ મહિલાઓ હતી. મહિલાઓમાં યોગને લઈને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગતા જોવા મળે છે. રાજકોટમાં યોગ બોર્ડ દ્વારા ૧૫૦ જેટલા ક્લાસીસ ચલાવવામાં આવે છે, જેમાંથી સૌથી વધુ ક્લાસીસ મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. યોગાસન સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ ૨૫ માંથી પાંચ આસન પોતાની મરજી મુજબના સિલેક્ટ કરીને તેમાં ભાગ લેવાનો હતો. આ તકે સીનીયર કોચ રમાબેન મદ્રા, રમત-ગમત અધિકારી વી.બી.જાડેજા, છોટુભાઈ પુરાણી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળાના રીટાયર્ડ પ્રોફેસર છગનભાઈ કગથરા, એક્સપર્ટ દીપકભાઈ તરાવિયા સહિતના લોકોએ જજ તરીકે પોતાની સેવા આપી હતી. તેમજ રાજ્ય યોગ બોર્ડ-રાજકોટના કો ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી, રાજ્ય યોગ બોર્ડ-મોરબીના કો ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી નીતિન કેસરિયા, શોભનાબેન આસરા, પદ્માબેન, ગીતાબેન સોજીત્રા, રૂપલ ચગ, કોમલ ડાભી, શિલ્પા દાવરા સહિતના લોકોએ પોતાની સેવા આપી હતી .