ગુજરાત ભૂમિ, બોટાદ
જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને ગઈકાલે બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે સૂચિત જંત્રી-૨૦૨૩ ક્ષતિ રહિત તૈયાર કરવા અંગે જિલ્લાના સ્ટેકહોલ્ડર્સ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર બીજલ શાહે ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બને તે માટે વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને સરકારે પ્રાથમિકતા આપી છે. સરકારશ્રી દ્વારા સમયાંતરે જંત્રી ભાવમાં સુધારા આવતા હોય છે ત્યારે જાહેર જનતા તરફથી થયેલી રજૂઆતોને ધ્યાને લઈ જે જંત્રી ભાવ હાલમા અમલમાં મુકવામાં આવેલ છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા નક્કી કરેલ સમય સારણી મુજબ જાન્યુઆરી-૨૦૨૩મા જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી બોટાદ જિલ્લાના બોન રાઈટર, રેવન્યુ પ્રેક્ટીશનર, વેપારી એસોસિયેશન, બિલ્ડર એસોસિયેશન, બાર એસોસિયેશન, જિલ્લાના વિવિધ સ્ટેકહોલ્ડર્સઓને તા.૩ ફેબ્રુઆરી સુધીમાં સમયસર જંત્રી ભાવ અંગેના સુચનો પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
ઈન્ચાર્જ ડેપ્યૂટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યૂટી) આર.કે.વંગવાણીએ જાન્યુઆરી-૨૦૨૩મા જંત્રી અંગેની સર્વેની કામગીરી જે તબક્કાવાર હાથ ધરાનાર છે જે અંગેની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. આ વેળાએ વેપારી એસોસિયેશન, બિલ્ડર એસોસિયેશન સહિત અન્ય સ્ટેકહોલ્ડર્સઓએ જંત્રી અંગેની સર્વેની કામગીરીને અનુલક્ષીને જરૂર રચનાત્મક સુચનો રજૂ કર્યા હતાં. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ,મામલતદારઓ, ચીફ ઓફિસરઓ, તમામ વિભાગના અધિકારીઓ, સબ રજીસ્ટારઓ સહિત જિલ્લાના વિવિધ સ્ટેકહોલ્ડર્સઓ ઉપસ્થિત રહ્યાં હતાં.