આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ માહિતી કચેરીમાં નવી નિમણૂક મેળવી ખુશખુશાલ સ્વરે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મયૂરીબહેને પોતાના સંઘર્ષથી સફળતાની વાત કહી મહિલાઓ અને વિદ્યાર્થીઓને અડગ મન અને મક્કમ નિર્ધારથી લક્ષ્યપ્રાપ્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો.
સુત્રાપાડાના રહેવાસી મયૂરીબહેને કહ્યું હતું કે, મારા પપ્પા રિક્ષાચાલક છે અને એમણે મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. આજે રમત-ગમત હોય કે અવકાશક્ષેત્ર તમામ મોરચે મહિલાઓ હરણફાળ ભરી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ્યારે નોકરીનો ઓર્ડર હાથમાં આવ્યો ત્યારે એ ક્ષણ મારી જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હતી. મે કોન્સ્ટેબલની પરિક્ષા પણ પાસ કરી હતી અને કંડક્ટરની પણ પરિક્ષા પાસ કરી અને જામનગર થોડો સમય ડેપોમાં નોકરી કરી હતી ત્યારબાદ બિન સચિવાલય ક્લાર્કની પણ પરિક્ષા પાસ કરી અને સોમનાથમાં નિમણૂક મળી. મે અનુભવ્યુ છે કે તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સરકારની કામગીરી ખૂબ જ પારદર્શક રહી છે અને ખાસ સરકારમાં કામ કરતા કર્મચારીઓ પણ પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપતા રહે છે. હવે ટેક્નોલોજીના ઉપયોગથી પણ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થયો છે. મને પણ સરકારની વિવિધ યોજનાલક્ષી કામગીરીની માહિતી ઓનલાઈન જ મળી હતી. જે પરિક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી.
મયૂરીબહેને કહ્યુ હતું કે, લાખો ઉમેદવારોની ભરતી પ્રક્રિયાનું માળખું અને વ્યવસ્થા કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. ભલે સમય થોડો લાંબો ચાલે પણ અંતે ધીરજના ફળ મીઠા હોય છે એ ન્યાયે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ના સૂત્રને સાર્થક કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.