ગુજરાત ભૂમિ, બોટાદ
પરંપરાગત ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2023ને “ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (International Year of Millet 2023)” તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજે આપણે જાડા ધાન્યો વિશે વાત કરીશું. મિલેટ્સ એટલે રાગી, બાજરી, મોરિયું, જુવાર, જવ, કોદરા સહિતનાં ધાન્યો કે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે. લોકો આ ધાન્યો તરફ ફરી વળે અને આરોગ્યલક્ષી ફાયદા પ્રાપ્ત કરે તેવી મુહિમ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.
જાડા ધાન્યો છે અનેક રીતે ગુણકારી
• જાડા ધાન્યો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પૌષ્ટિક તત્વોની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. બાજરીથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને કૉલેસ્ટ્રોલના લેવલમાં પણ સુધારો થાય છે. બાજરી કૅલ્શિયમ, ઝિંક અને આયર્નની ઊણપને દૂર કરવામાં મદદરૂપ છે.
• જુવારમાં ફાઇબર્સની માત્રા વધુ હોય છે જે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી તે વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી વિશેષ ફાયદો થાય છે.
• રાગીમાં કેલ્શિયમની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ સ્માર્ટ ફૂડ દરેક બીમારીનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. રાગી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
• જવ પોષકતત્વોથી ભરપૂર છે. જવમાંથી વિટામીન બી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, એમીનો એસિડ, ડાયેટ્રી ફાઇબર્સ તેમજ અનેક એન્ટી ઓક્સીડન્ટ અને લેક્ટિક એસિડ મળે છે. જે ખૂબ લાભદાયી છે અને પાચનમાં ખૂબ સહાય કરે છે. જવનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
• કોદરા ઔષધીય ગુણોથી ભરપૂર છે. કોદરાનો ભોજનમાં નિયમિત સમાવેશ કરવાથી આપણાં શરીરમાં ફાઇબરની માત્રા વધારી શકાય છે. હ્રદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરના લક્ષણોથી પીડાતા લોકો માટે કોદરા વિશેષ ગુણકારી છે. આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરવા, રક્ત પરિભ્રમણ વધારવા માટે પણ ઉપયોગી છે.
જાડા ધાન્યોને “સુપર ફૂડ” માનવામાં આવી રહ્યા છે. ત્યારે ચાલો આપણે સૌ જાડા ધાન્યોની વિવિધ વાનગીઓ થકી આરોગ્યને વધુ સ્વસ્થ બનાવીયે.